✰✰✰✰✰✰✰ નવરાત્રી ગરબા ✰✰✰✰✰✰✰
ગરબા મુખ્યતઃ ગુજરાત, ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકો જાણીતી છે. આ નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.
નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.
ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે - કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ભગવદ્ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે.
- અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.
- તાળીઓ પાડતાં દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું તે.
- મોટી ગરબી; લહેકાવીને ગાવાનો એક રાગ; રાસડો.
નાદ અને નર્તન આદિમાનવના આંતરિક આવેગ અને ઉર્મિઓની અભિવ્યક્તિ છે. ભય અને રક્ષાભાવમાંથી આદિમાનવ પૂજા કે ધર્મ તરફ વળ્યો ત્યારે એ ધર્મ કે રક્ષાભાવ એણે બલિદાન, નાદ અને નર્તન રૂપે જ વ્યક્ત કર્યો. ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ શક્તિપૂજાનો જ ઉત્સવ છે.
ગરબો’ શબ્દની વ્યુત્પતિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી પૂરેપૂરા એકમત નથી પરંતુ दीपगर्भो घटः / दीपगर्भो / गभो / गरभो / गरबो (ગરબો) આ ક્રમે ગરબો શબ્દ વ્યુત્પન્ન થયો હોવાનું જણાય છે.
ગરબાને તાલરાસકનાં પ્રકાર તરીકે સ્વીકારતાં શ્રી ગોવર્ધન પંચાલ લખે છે કે, ’ઐતરૈય આરણ્યક પરંપરાના અનુસંધાનરૂપે તાલરાસક તાલ વગાડીને થતો કોઈ નર્તન પ્રકાર ઉષાના સમયમાં પ્રચલિત હોવાનું સમજાય છે. ઉષાનું લાસ્ય તાલરાસક કે ગરબા જેવો કોઈ પ્રકાર તો નહીં હોય ને ? ઈ.સ.ની ૧૩મી સદીના શારદાતનય રાસક ને લાસક પણ કહે છે ને એ રાસક કે લાસક લાસ્ય સાથે સામ્ય ધરાવે છે અથવા તો જો બન્ને સ્વીકારીએ તો ઉષાના લાસ્યને ગરબા જેવા નર્તન પ્રકાર સાથે જોડી શકાય, કારણ કે ઉપર કહેલી ઐતરૈય આરણ્યકની પ્રણાલિકા સ્ત્રીઓના તાલરાસક જેવા પ્રકારનો ઉલ્લેખ તો કરે છે. આમ જોતાં ગરબા જેવા કોઈ પ્રકારની નર્તન પ્રણાલિકા ગુજરાતમાં જ પ્રથમ ઉષા દ્વારા પ્રચારમાં આવી હોય એમ દેખાય છે.
’ગરબો’ સંજ્ઞાની અર્થછાયાઓ ક્રમશઃ વિસ્તાર પામતી રહી. ’ગરબો લખાય’, ’ગરબો છપાય’, ’ગરબો ગવાય’, ’ગરબે ઘુમાય’, ’ગરબો ખરીદાય’ આવા બધા અર્થો ગરબા શબ્દમાં સમાયેલા છે. નવરાત્રીમાં છિદ્રવાળા માટીના ઘડામાં દીપ પ્રગટાવીને એની સ્થાપના કરીએ, એ ઘટ તે ’ગરબો’. આ ઘટને મધ્યમાં મૂકીને, એની આસપાસ સ્ત્રીઓ ગોળાકાર ઘૂમે તે નર્તન પ્રકાર પણ ’ગરબો’. પછી આ નર્તન સાથે ગવાતું ગીત પણ ’ગરબો’ સંજ્ઞા પામ્યું અને અંતે તો, મધ્યમાં ગરબાની સ્થાપના ના થઈ હોય તો પણ એ પ્રકારે વર્તુળાકાર થતું સામૂહિક નર્તન અને એની સાથે ગવાતું ગીત ’ગરબો’ તરીકે પ્રચાર પામ્યા.
સાહિત્ય અને સંગીત
ગરબા એ ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે. તે ગુજરાતી સંસ્કૃતી સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે બીન-ગુજરાતીઓ (અને ક્યારેક ક્યારેક ગુજરાતીઓ પણ) ગુજરાતી સંગીતની વાત આવે એટલે ગરબા એવું અર્થઘટન આપોઆપ કરી લે છે. ગુજરાતભરમાં માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે. કેટલાયે કવિઓ અને સંગીતકારોએ આધુનિક ગરબાઓ પણ રચ્યા છે. આ અનેક કલાકારોમાં કવિ/સ્વરકાર અવિનાશ વ્યાસનું પ્રદાન વિશેષ છે.
No comments:
Post a Comment